.
જેલ સુપરિન્ટેન્ડેન્ટ પર એક પત્ર આવ્યો...
'મેમ, મારી દેરાણીએ દહેજકેસમાં મારું નામ લઈને મને કેમ જેલમાં પુરાવી? હું સતત વિચારતી કે મારું નામ કેમ લીધું? હું તો સાથે પણ રહેતી નહોતી....' આ મહિલાને જેલમાં વધુ અભ્યાસ કરાવ્યો અને તે બીજા કેદીને ભણાવતી. લેટરના અંતે તેણે લખ્યું, 'હું જેલમાં એટલું બધું શીખી છું કે હવે બહાર જઈને ટીચિંગ પ્રોફેશનમાં જઈ શકીશ. જેલમાં આવવું મારા માટે સારું થયું....' આ લેટર વાંચતી વખતે મારી આંખો ભીની થઈ ગઈ. મને લાગ્યું કે જેલમાં એક કેદીએ પણ પોતાની સજાને પોઝિટિવ રીતે લીધી અને કંઈક શીખવાની ભાવનાથી શીખ્યાં. તે મહિલાએ જીવનના આ સમયને ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો....'
આ શબ્દો છે તિહારની પુરુષ જેલનાં પહેલાં મહિલા સુપરિન્ટેન્ડેન્ટ બનનારાં અંજુ મંગલાના..
તાજેતરમાં જ દિલ્હીની ભાજપ સરકારે તિહાર જેલને શહેરની બહાર શિફ્ટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી બજેટમાં આ અંગે વાત કરી અને બજેટમાં સર્વે તથા એડવાઇઝરી માટે 10 કરોડ રૂપિયા અલગથી ફાળવ્યા પણ છે. સૂત્રોના મતે, તિહાર જેલ શિફ્ટ કરવાથી કેદીઓના રહેવાની ક્ષમતા ત્રણ ગણી વધી જશે. હાલમાં તિહાર જેલમાં 19 હજારથી પણ વધુ કેદીઓ છે. જ્યારે તિહાર જેલ શિફ્ટ થવાની ચર્ચા થઈ રહી છે ત્યારે દિવ્ય ભાસ્કરે તિહાર જેલનાં પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ અંજુ મંગલા સાથે ખાસ વાત કરી...
'સપ્ટેમ્બર, 2013માં તિહાર જેલમાં પોસ્ટિંગ' વાતની શરૂઆત કરતાં અંજુ મંગલા કહે છે, 'દિલ્હી યુનિવર્સિટીમાંથી ઝૂલોજીમાં B.Sc. કર્યું ને પછી સ્ટાફ સિલેક્શન બોર્ડની એક્ઝામમાં સિલેક્ટ થઈને દિલ્હી સરકારમાં નોકરી મળી. પ્રમોશન પછી આર્ટ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી, ત્યાર બાદ રાજૌરી ગાર્ડનમાં SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) તરીકે પોસ્ટિંગ થયું. ત્યાં છ મહિના કામ કર્યું ને પછી એક બોર્ડમાં ગઈ ને ત્યાર બાદ મારું પોસ્ટિંગ તિહારની મહિલા જેલ નંબર 6માં થયું. 25 સપ્ટેમ્બર, 2013માં તિહાર મહિલા જેલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો. આ દરમિયાન લૉની ડિગ્રી લીધી.'
'બહારથી તિહાર જેલ જોઈ હતી' તિહાર જેલ અંગે સામાન્ય લોકોના મનમાં અલગ-અલગ વિચારો હોય છે, તમારા મનમાં શું હતું એ અંગે વાત કરતાં અંજુ જણાવે છે, 'હું જ્યારે રાજૌરી ગાર્ડનમાં SDM હતી ત્યારે તિહાર જેલ મારી જ હેઠળ આવતી, પરંતુ ત્યારે બહારથી જોતી. મને પણ સામાન્ય વ્યક્તિની જેમ જ જેલનો ડર હતો. એ સમયે મને અંદર જવાની તક મળી નહોતી. જ્યારે તિહારમાં પોસ્ટિંગ થયું ત્યારે એક જાતની મૂંઝવણ હતી કે કેવી રીતે કેદીઓની વચ્ચે રહીશ, કેવી રીતે સંભાળીશ? જે દિવસે કાર્યભાર સંભાળ્યો ત્યારે મનથી જ નક્કી કર્યું કે કેદીઓને ક્યારેય કેદીઓ માનીશ નહીં. તેમને એક માણસ તરીકે જ જોઈશ. તેઓ કઈ રીતે જીવનમાં આગળ વધી શકે એ અંગે કામ કરીશ. આ ઉપરાંત મારી જાતને જેલર કહેવડાવીશ નહીં, કારણ કે જ્યારે તમારે કેદીઓનો વિશ્વાસ જીતવો છે ત્યારે તમારી ઇમેજ સોફ્ટ હોવી જરૂરી છે. જેલરની ઇમેજ એક કડકાઇ ભરેલી ને ગુસ્સાવાળી લોકો ને કેદીઓના મનમાં છે.'
'રૂલ બુક પ્રમાણે જેલ ચલાવી' જેલમાં સામાન્ય રીતે VVIP-VIP કેદીઓ આવે ત્યારે તેમને ખાસ સવલતો આપવામાં આવે છે. અંજુને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, 'મહિલા જેલમાં કેટલાંક મહિલા અધિકારી કડક તો કેટલાંક એકદમ છૂટછાટ આપતાં હોય છે. મારી વાત કરું તો હું રૂલ બુક પ્રમાણે જ જેલ ચલાવતી. કેદીઓને તેમના હકનું જરૂરથી મળે, પરંતુ ખોટી ડિમાન્ડ ક્યારેય પૂરી કરતી નહીં. ઘણીવાર મહિલા કેદીઓ ચિત્ર-વિચિત્ર ડિમાન્ડ કરતી અને તેમને ના પાડવી એક પડકાર હતો. જોકે જેલમાં રહીને હું આ બધું શીખી. રહી વાત VVIP-VIP કેદીની, તો મારા માટે બધા જ એકસમાન હતા. મારા સમયે 600 મહિલા કેદી હતી એટલે જો હું એકની ફેવર કરું તો 599 મારા વિરોધી બને ને મારે આવું કરવું નહોતું.'
'પર્સનલ હેર ડ્રાયરની ડિમાન્ડ કરી' 'મને આજે પણ યાદ છે કે એકવાર મહિલા કેદીઓએ પર્સનલ હેર ડ્રાયરની ડિમાન્ડ કરી. આ ડિમાન્ડ જીવનજરૂરિયાતની ગણાય નહીં એટલે મેં આ ડિમાન્ડ પૂરી કરી નહોતી. સામાન્ય રીતે આવશ્યક વસ્તુઓ ના હોય એ બાબતો ક્યારેય અધિકારીઓ પૂરી કરે નહીં.'
'જેલમાં બ્યૂટિપાર્લર પણ હોય છે' 'તિહારની મહિલા જેલમાં અલગથી બ્યૂટિપાર્લર પણ છે. મારા સમયમાં મેં પાર્લર ઇમ્પ્રોવાઇઝ કર્યું. કરવાચોથનું વ્રત હોય તો જેલની મોટા ભાગની મહિલાઓ પાર્લરમાં જઈને તૈયાર થાય. જે રીતે બહાર ફેસ્ટિવલનો માહોલ હોય એવો જ માહોલ જેલની અંદર હોય. આ ઉપરાંત મહિલાઓ રેગ્યુલર રીતે પણ બ્યૂટિપાર્લરની સર્વિસનો ઉપયોગ કરતી, જેમાં વેક્સ, આઇબ્રો-ફેસિયલ વગેરે કરવામાં આવતું. બ્યૂટિપાર્લરનો કોર્સ કરનારી મહિલા કેદીઓ આ ચલાવતી.'
તિહારની મહિલા જેલ.
'સુસાઇડ કે ગુસ્સો ના કરે એ માટે મહિલાઓને બિઝી રાખતી' જેલમાં રહેતી મહિલાઓ 24 કલાક શું કરે એ અંગે વાત કરતાં અંજુ જણાવે છે, 'જેલમાં રહેતા કેદીઓ પાસે 24 કલાક છે અને તેમની પાસે કોઈ કામ નથી. કેસ ચાલે છે અને ચુકાદો આવ્યો નથી ને જામીન મળ્યા ના હોય તો આ પરિસ્થિતિમાં બે શક્યતા હોય છે, ડિપ્રેશનમાં સરી પડે તો તેને સુસાઇડના વિચારો આવે અથવા સ્વભાવ ઉગ્ર બની જાય અને એને કારણે જેલમાં સ્થિતિ ગંભીર બની શકે. આ બંને પરિસ્થિતિ સુપરિન્ટેન્ડેન્ટ માટે સારી નથી. સુપરિન્ટેન્ડેન્ટ સરળતાથી પોતાની જેલ ચલાવવા માગે છે, જેમાં કોઈ સુસાઇડ ના થાય અને કેદીઓ વચ્ચે ઝઘડા ના થાય. આ બધું ના થાય એ માટે કેદીઓને બિઝી રાખવા જરૂરી છે. મહિલાઓને જ્યારે જેલ થાય ત્યારે તેમની સ્થિતિ દયામણી બની જાય. અમે જેલમાં રહેતી મહિલાઓનાં સશક્તીકરણ માટે એજ્યુકેશન, પ્રોફેશનલ-વોકેશનલ-સ્પિરિચ્યુઅલ કોર્સ શરૂ કર્યા. આ કોર્સમાં અલગ અલગ NGOની મદદ લીધી. જેલમાં મહિલાઓ માટે બ્યૂટિપાર્લર, ફેશન ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કર્યો. આ ઉપરાંત જેલમાં લેટર બોક્સ સિસ્ટમ હતી, જેમાં મહિલા કેદીઓ પોતાના મનની વાત, ફરિયાદ, ડિમાન્ડ કંઈપણ લખીને મને મોકલી શકતી અને એ માત્ર હું જ વાંચતી. આ રીતે તેઓ મનની વાત મારા સુધી પહોંચાડતી.'
'જેલ સમાજનું જ પ્રતિબિંબ છે' 'એજ્યુકેશનની વાત કરું તો સાવ અભણ મહિલાઓને જેલ સ્ટાફ ભણાવતો. જેમ સમાજમાં 40% મહિલા અભણ છે તો તે જ સિનારિયો જેલમાં પણ જોવા મળે. જેલમાં ભણેલી મહિલા કેદી ગ્રુપ બનાવીને અન્યને ભણાવે. NGO પણ ભણાવવા માટે આવતી.'
'મહિલા જેલમાં કાચા-પાકા કામના કેદીઓ સાથે જ રહે' વાતને આગળ વધારતાં અંજુ કહે છે, 'તિહારની મહિલા જેલમાં 18 કે તેનાથી વધુ ઉંમરની કોઈપણ મહિલા રહેતી. પુરુષ જેલની વાત કરીએ તો એમાં બચ્ચા જેલ અલગથી હોય છે, જેમાં 18થી 21 વર્ષના યુવાનો રહે અને 21 વર્ષથી ઉપરના યુવાનો માટે અલગ જેલ હોય છે. પુરુષ જેલમાં કાચા-પાકા કામના કેદીઓ માટે અલગ જેલ છે, જ્યારે મહિલા જેલમાં 18 વર્ષથી મોટી ઉંમરની તમામ મહિલાઓ પછી તે કાચા કામની હોય કે પાકા કામની સાથે જ રહેતી. અલબત્ત, અમે અમારી સરળતા માટે જેલની અંદર પાકા તથા કાચા કામના કેદીનો વોર્ડ અલગ રાખતા.'
'હત્યા-ખૂન કરીને આવતી મહિલાઓની સંખ્યા વધારે' જેલમાં મહિલા કેવા કેવા ક્રાઇમ કરીને આવતી? એ સવાલના જવાબમાં પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ કહે છે, 'ક્રાઇમની વાત કરું તો મારા સમયે મર્ડર કરીને આવનારી મહિલાઓની સંખ્યા ઘણી જ વધારે હતી, ત્યાર બાદ દહેજ હત્યાના કેસ ને પછી ડ્રગ્સ ટ્રાફિકિંગના ગુના મુખ્ય રહેતા. હ્યુમન ટ્રાફિકિંગના ગુના હેઠળ આવી મહિલાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહેતી.'
'પાકા કામના કેદીઓ પાસેથી કામ લેવું ફરજિયાત છે' 'પાકા કામના કેદીઓ કમાણી કરી શકે એ કારણે તેમની પાસેથી કામ લેવું ફરજિયાત છે, જ્યારે કાચા કામના કેદીઓ માટે કામ કરવું મરજિયાત છે, પરંતુ તેઓ ઈચ્છે તો કરી શકે. 24 કલાક જો કંઈ જ ના કરવાનું હોય તો ખાલી દિમાગ શૈતાન કા ઘર એટલે કેદીઓ ખોટા વિચારો કરે અથવા તો ડિપ્રેશનમાં જાય. આ જ કારણે મારો પ્રયાસ રહેતો કે મહિલા કેદીઓ કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહે.'
'જેલને ગુરુકુળ બનાવ્યું' વાતને આગળ વધારતાં અંજુ કહે છે, '18-30ની ઉંમરની 150 મહિલા હતી. આ એજ ગ્રુપને બિઝી રાખવા મને લાગ્યું કે ગુરુકુળ સિસ્ટમ અપનાવવી જોઈએ. સવારના ઊઠ્યા ત્યારથી લઈને રાતના સૂવે ત્યાં સુધી મહિલાઓ એટલી બિઝી રહેતી કે તેમના મનમાં બીજા કોઈ વિચાર આવે જ નહીં અને આખો દિવસ સતત એક્ટિવિટી કરી હોવાને કારણે રાતના શાંતિથી ઊંઘ પણ આવી જાય. જેલને હોસ્ટેલ-ગુરુકળ કહેવાનું શરૂ કર્યું અને આ બધી વાતોથી ખાસ્સો ફરક પડે છે. કેદીના મનમાં એ વાત આવી જાય કે આ જેલ નહીં, પરંતુ આશ્રમ કે સ્કૂલ-ગુરુકુળ-હોસ્ટેલ છે તો નેગેટિવ વિચારો આવતા જ નથી અને પોઝિટિવિટી ફેલાય છે. અમે ગુરુકુળ જેવી જ સિસ્ટમ બનાવી હતી. કેદી સવારે પાંચ-સાડા પાંચ વાગ્યે ઊઠીને યોગા કરે, પછી આખો દિવસ અલગ-અલગ ક્લાસમાં જાય, જેમાં વોકેશનલ, રિક્રિએશન, કોમ્પ્યુટરના હોય. મેં જેલમાં કોમ્પ્યુટરના એડવાન્સ કોર્સ પણ શરૂ કર્યા હતા. આ રીતે કાચા કામના કેદીઓનો આખો દિવસ પ્લાન કરીને રાખ્યો હતો.'
'મહિલા જેલનું નમકીન દિલ્હીમાં ફેમસ' 'રહી વાત પાકા કામના કેદીઓની, તો તેમણે કામ કરવું ફરજિયાત છે. જેલમાં દરેક જગ્યાએ અમારો સ્ટાફ હોય, પરંતુ તેઓ આ કેદીઓની મદદ લે. જેલમાં કંટ્રોલ રૂમ હોય અને એને ચક્કર કહેવામાં આવે. ત્યાં જ સવાર-બપોર ને સાંજ કેદીઓની ગણતરી થાય. રાત્રે જેલ બંધ થાય તો તેને 'સબ અચ્છા' એમ કહેવામાં આવે એટલે કે બધું જ બરોબર છે. કેદીઓની ગણતરીમાં રસોડામાં ભોજન બનાવવામાં મદદ લઈએ. આ ઉપરાંત જો કોઈ મહિલા કેદીએ વોકેશનલ કોર્સ પૂરો કર્યો હોય તો તેને જે-તે કોર્સની હેડ બનાવવામાં આવે અને તે અન્ય મહિલાઓને શીખવે. મહિલા જેલમાં નમકીન યુનિટ છે અને તે દિલ્હીમાં ખાસ્સું લોકપ્રિય છે. પુરુષ જેલની જેમ મહિલા જેલમાં કોઈ ફેક્ટરી નથી.'
'સમાજમાં ગ્રુપીઝમ છે તો જેલમાં કેમ ના હોય?' 'સમાજમાં ગ્રુપીઝમ છે તો તમે કેવી રીતે એવી કલ્પના કરો કે જેલમાં આવું ના હોવું જોઈએ. જેલમાં ગ્રુપ બને છે અને અમારું કામ એ ગ્રુપ બીજાને હેરાન ના કરે એ જોવાનું છે. ગ્રુપ બને ત્યારે તેમની ડિમાન્ડ વધી જાય અને તેમને કેવી રીતે શાંત પાડવા એ અમારા માટે પડકારરૂપ રહેતું. મને લાગે છે કે મહિલાઓ સંવેદનશીલ વધારે હોય છે. બાળકો માટે ઘણી જ પ્રોટેક્ટિવ હોય છે. જેલમાં જે મહિલા કેદીનાં બાળકો બહાર રહેતાં તેઓ સતત બાળકોની ચિંતા કરતી. હું એવું વિચારતી કે આ બાળકોને યોગ્ય એજ્યુકેશન, સારી હેલ્થ ને સારું ફૂડ મળવું જોઈએ. ઘણી મહિલા કેદી કહેતી કે તેમનાં બાળકોને સારું ભોજન મળતું નથી તો NGO સાથે ટાઇ-અપ કરીને જમવાની વ્યવસ્થા કરી. ઘણા કિસ્સામાં એવું રહેતું કે મમ્મી-પપ્પા બંને જેલમાં હોય અને બાળકો ઘરડા દાદા-દાદી પાસે હોય એટલે તેઓ પૂરતું ધ્યાન રાખી શકે નહીં તો કેટલીક મહિલા કેદીઓએ એવું કહ્યું કે બાળકોને સ્કૂલમાં એડમિશન મળતું નથી તો એડમિશન કરાવ્યું. આ રીતે દરેકેદરેક મહિલા કેદીમાં રસ લઈને તેમનો વિશ્વાસ જીત્યો.'
'મહિલાઓ મારામારી કરે, એકબીજાને નખોરિયાં ભરે, વાળ ખેંચે' મહિલાઓ જેલમાં મારામારી કરે કે નહીં? એ સવાલના જવાબમાં પૂર્વ જેલરે કહે છે, 'પુરુષ કેદીઓની જેમ મહિલાઓમાં વારંવાર આવી ઘટના બનતી નથી. હું ના નહીં પાડું કે મારામારી નથી જ કરતી, પરંતુ પુરુષ કેદીઓની તુલનામાં ઓછી કરે. મહિલાઓ બીજી મહિલાને નખોરિયાં ભરે, વાળ ખેંચતી હોય છે. અલબત્ત, મેં મારા કાર્યકાળમાં મહિલાઓને સતત બિઝી રાખી એટલે આ ઘટનાઓ બહુ ઓછી બની. હું પોણાત્રણ વર્ષ મહિલા જેલમાં રહી. આ સમયગાળામાં એકપણ મહિલા કેદીએ સુસાઇડ કર્યું નહોતું. જેલમાં આ વાત ઘણી જ મોટી છે. આ એ વાતની સાબિતી છે કે જેલમાં હું જે અલગ અલગ પ્રોગ્રામ કરતી હતી એનું પરિણામ પોઝિટિવ રહ્યું.'
'સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ ના થાય, લેસ્બિયન સંબંધો હોઈ શકે' 'ફિલ્મમાં બતાવે છે એ રીતે જેલમાં ક્યારેય મહિલાઓનું સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ થતું નથી. મહિલા જેલમાં એકપણ પુરુષ હોતો નથી, સ્ટાફ આખો મહિલાઓનો જ હોય છે. લેસ્બિયન રિલેશનની વાત કરું તો મેં મારા કાર્યકાળમાં આવું સાંભળ્યું નથી, પરંતુ હું આ વાતને નકારી શકું નહીં. ઘણીવાર મહિલાઓ વચ્ચે લેસ્બિયન સંબંધો હોય છે.'
'મહિલા જેલમાં અંદર મુલાહિઝા વોર્ડ છે' 'મહિલા જ્યારે પહેલી જ વાર જેલમાં આવે ત્યારે તેને મુલાહિઝા વોર્ડમાં રાખવામાં આવે છે. આમ કરવાનો ઉદ્દેશ એટલો જ કે તેને જૂના કેદીઓ હેરાન ના કરે. આ વોર્ડમાં સ્ટાફ નવા આવનાર કેદીને જેલના નિયમો સમજાવે, જેમ કે ફોન કરી શકાય, વિઝિટર્સ મળવા આવી શકે અને કોને મળવું છે એ 10 લોકોનાં નામ આપવાના. મહિલાઓ જ્યારે જેલમાં આવે ત્યારે રડતી અને એકદમ ડરેલી હોય એ સમજી શકાય. આ જ કારણે તેમને સંભાળવી ઘણી જ મુશ્કેલ હોય છે. તેઓ ડિપ્રેશન કે સુસાઇડ કરી ના બેસે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કોર્ટે સજાનો ચુકાદો આપ્યો હોય પછી મહિલા મોટે ભાગે સાંજના સમયે જેલમાં આવે. બીજા દિવસે સવારે હું અચૂક નવી મહિલા કેદીને મળવા જતી અને સાંત્વના આપીને સમજાવતી કે જે થવાનું હતું થઈ ગયું. હવે જેલમાં કેવી રીતે રહેવાનું છે અને કેવી રીતે સમયનો સદુપયોગ કરશો એ અંગે વાત કરતી. તેમના મનમાં રહેલી શંકાકુશંકા દૂર કરતી. NGO મોટિવેશનલ ક્લાસ પણ ચલાવતા અને એ રીતે ધીમે ધીમે મહિલાઓ જેલમાં સેટ થઈ જતી.'
'જમવાનું સારું કે ખરાબ બનાવવું કેદીઓના હાથમાં' જેલમાં મળતું જમવાનું કેટલું સારું હોય તે અંગે અંજુ કહે છે, 'જમવાનું કેવું બનાવવું તે કેદીઓના હાથમાં છે. રસોઈ કેદીઓ જ બનાવે છે. તેને સુપરવાઇઝ કરવા જેલ સ્ટાફ છે. મેં સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી હતી કે જો પેટ ભરેલું હશે તો તમે કેદીઓને 50% જીતી લીધા, કારણ કે રસોઈ સારી હોય એટલે તેઓ ભરપેટ જમે ને મગજ શાંત રહે. ભૂખ્યા પેટે માણસને કોઈને કોઈ વિચારો આવે. દિલ્હીની મધર ડેરીમાંથી તમામ વસ્તુઓ આવતી. શાકભાજી પણ A ક્વોલિટીના આવતા. જો જેલમાં કોઈએ બે રોટલી વધારે ખાઈ લીધી તો સ્ટાફ ક્યારેય ટોકતો નહીં. ડ્રગ્સ કેસમાં વિદેશી મહિલા કેદીઓ ઘણી આવતી, જેમાં આફ્રિકા- એશિયાના સાઉથ-ઇસ્ટ દેશોની મહિલાઓ રહેતી. જેલમાં નોર્થ ઇન્ડિયન જમવાનું બનતું. તેમને આ ભોજન ભાવતું જ નહીં. આફ્રિકાના લોકોને પાલકનું શાક તેમની સ્ટાઇલમાં બનાવીને જમવું ગમતું તો બહુ જ સહજતાથી મેં તેમને એમ કહી દીધું કે તમે રસોડામાં જઈને જાતે બનાવી લો. આ વાત બહુ જ સામાન્ય છે, પરંતુ મહિલા કેદીઓ પર તેની ઘણી જ ઊંડી અસર થાય. પોતાનું ભાવતું ભોજન મળે એટલે તેઓ ખુશ થઈ જાય ને અમારી જેલ એકદમ શાંતિથી ચાલતી. જમવાને લઈ અમારા ત્યાં ક્યારેય કોઈ મગજમારી થઈ નથી.'
રિટાયરમેન્ટ બાદ અંજુ મંગલા હાલમાં વોકલ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક શીખી રહ્યાં છે.
'જેલની રોટી ખાવા કેટલાક આવતા' કહેવાય છે કે જેલની રોટી ખાશો તો જેલમાં જશો નહીં, તમારા કાર્યકાળમાં જેલની રોટી ખાવા કોઈ આવતું? જવાબમાં અંજુ ઉમેરે છે, 'મારા વખતે સ્ટાફના પરિવારમાંથી અથવા ફ્રેન્ડના ફ્રેન્ડ એ રીતે આવતા. અમે જેલમાં આઉટસાઇડર્સને અંદર આવવાની પરવાનગી બહુ જ ઓછી આપતા એટલે ભાગ્યે જ તેઓ આવતા.'
'જેલ કેદીઓ ચલાવે છે, આ વાત તદ્દન ખોટી છે' 'હું આ વાત સાચે જ સમજી શકી નથી કે પુરુષોની જેલ કેદીઓ જ ચલાવે છે. અમારે તેમની પાસેથી કામ લેવું ફરજિયાત છે. જો તેઓ જેલના થોડાક કામ કરે તો તેનો અર્થ એવો ક્યારેય નથી કે તેઓ જેલ ચલાવે છે. તેઓ માત્ર જેલ સ્ટાફને મદદ કરે છે અને તેમને કામ કરવાના પૈસા મળે છે. રસોડામાં કેદીઓ ભોજન બનાવે છે, પરંતુ ત્યાં જેલ સ્ટાફના 2 લોકો સુપરવાઇઝિંગ માટે હોય છે.'
'6 વર્ષ સુધીનાં બાળકો મહિલા કેદી સાથે રહે' '6 વર્ષ સુધીનાં બાળકો મહિલા કેદીઓ પોતાની સાથે રાખે છે. મધર-ચાઇલ્ડનો એક વોર્ડ અલગ હોય છે, તેમાં પણ અમે બે ભાગ પાડ્યા, ત્રણ વર્ષ સુધીનાં બાળકો માટે ઘોડિયાઘર ને બાકીની ઉંમરનાં બાળકો માટે પ્લે સ્કૂલ શરૂ કરી. ઘોડિયાંઘરમાં બાળકો 9-6 વાગ્યા સુધી રહે. પ્લે સ્કૂલમાં બાળકો ભણે. NGOની મદદથી આ બંને એક્ટિવિટી ચાલતી. આ ઉપરાંત પબ્લિક સ્કૂલ સાથે ટાઇઅપ કરીને તે સ્કૂલના ટીચર્સ બાળકોને ભણાવવા આવતા.'
'મને પુરુષ જેલની સુપરિન્ટેન્ડેન્ટ બનાવવામાં આવી' પુરુષ જેલમાં પોસ્ટિંગની વાત કરતાં અંજુ જણાવે છે, 'મહિલા જેલમાં ખાસ્સા સુધારા થયા અને તેની નોંધ લેવામાં આવી. તે સમયના અમારા DGના ધ્યાનમાં પણ આ વાત આવી. તેમને લાગ્યું કે બચ્ચા જેલમાં પણ આ બધું થવું જોઈએ, કારણ કે આ ઉંમરના યુવાનો ઘણા જ મસ્તીખોર ને તોફાની હોય છે. યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે. આ યુવાનોને સુધારીને સમાજમાં પરત મોકલીશું તો દેશનું ભલું થશે. જ્યારે મને કહેવામાં આવ્યું કે મારે બચ્ચા જેલમાં જવાનું છે તો મેં આશ્ચર્ય સાથે સાહેબને પૂછ્યું, 'આજ સુધી ત્યાં કોઈ મહિલાનું પોસ્ટિંગ થયું નથી તો મારું કેમ?' તેમણે એવો જવાબ આપ્યો, 'કેમ, ત્યાં મહિલા ના જઈ શકે?' પછી જુલાઈ, 2016માં બચ્ચા જેલની સુપરિન્ટેન્ડેન્ટ બની, ત્યાંથી નવેમ્બર, 2018માં ટ્રાન્સફર થઈ.’
બચ્ચા જેલમાં પોસ્ટિંગ એટલે પનિશમેન્ટ પોસ્ટિંગ? જેલ સ્ટાફ એવું માને કે બચ્ચા જેલમાં પોસ્ટિંગ એટલે પનિશમેન્ટ પોસ્ટિંગ. આ અંગે વાત કરતાં અંજુ કહે છે, 'બચ્ચા જેલમાં 18-21 વર્ષના યુવાનો હોય. આ યુવાનોને સંભાળવા ઘણા જ મુશ્કેલ છે. આ જેલમાં જો એક યુવકે એવું એલાન કર્યું કે કોઈ એક છોકરાને આજે મારવાનો છે તો આખી ગેંગ ભેગી થઈને તે છોકરાને મારીને જ શાંત થાય. ત્યાં જેલમાં અનેક ગ્રૂપ હોય અને તેનો લીડર જે બોલે તે કરવા સાગરિતો તૈયાર જ હોય. આ જ કારણે સુપરિન્ટેન્ડેન્ટ માટે આ યુવાનોને સંભાળવા માથાનો દુખાવો થઈ જતો ને તે જ કારણે બચ્ચા જેલમાં જો કોઈનું પોસ્ટિંગ થાય તો તેને પનિશમેન્ટ પોસ્ટિંગ કહેવાતું. મારું જ્યારે પોસ્ટિંગ થયું ત્યારે સાથી કર્મચારીઓએ એવો સવાલ કર્યો કે તમને શુભેચ્છા પાઠવીએ કે પછી શું કહીએ? મેં ત્યારે જવાબ આપ્યો કે તમે ચૂપ જ રહો. મને ખ્યાલ હતો કે આ પનિશમેન્ટ પોસ્ટિંગ છે. મેં સરને પણ સવાલ કર્યો કે મને કેમ પનિશમેન્ટ પોસ્ટિંગ આપવામાં આવ્યું? તેમણે જવાબ આપ્યો કે આ કોઈ પનિશમેન્ટ નથી. તમે મહિલા જેલમાં પુર્નવસનનાં સારાં કાર્યો કર્યાં તેવાં જ કામો બચ્ચા જેલમાં થાય એમ ઈચ્છીએ છીએ, તેથી તમારું પોસ્ટિંગ ત્યાં કરવામાં આવ્યું.'
'જેલમાં 15-20 ગેંગ લીડર હોય' 'જેલમાં 18-21 વર્ષના યુવાનો હતા, પરંતુ તેઓ મારા માટે તો બાળકો જ હતા. હું બેટા કહીને જ બોલાવતી. મને ક્યારેય લાગ્યું જ નહીં કે હું મેલ પ્રિઝનમાં છું. જે રીતે ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ તોફાની હોય તે જ રીતે જેલમાં પણ કેટલાક કેદીઓ એકદમ તોફાની હોય જ. આ જ લોકો જેલનો માહોલ બગાડતા હોય છે. જેલમાં જઈને મેં પહેલા આવા તોફાની કેદીઓને જ શોધ્યા. તમે જેલમાં જાવ એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ 15-20 કેદીઓ તોફાની છે. જે રીતે સ્કૂલમાં આપણે તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવી દઈએ એ જ રીતે પછી આ ગ્રૂપને ધ્યાનમાં રાખીને અલગ-અલગ એક્ટિવિટી શરૂ કરી. તેમને કેવી એક્ટિવિટી ગમે છે તેનું ધ્યાન રાખ્યું ને પછી કંઈ જ વાંધો આવ્યો નહીં. આ ઉંમરના યુવાનો એનર્જીથી ભરપૂર હોય છે અને તેમની એનર્જીને યોગ્ય રસ્તે વાળવી જરૂરી છે. NGO સાથે ફૂટબોલ માટે ટાઇઅપ કર્યું. યુવાન કેદીઓને ફૂટબોલ શીખવવાની સાથે સાથે ગાળા-ગાળી ના કરવી તે પણ શીખવતા.'
'બચ્ચા જેલમાં સ્કૂલ શરૂ કરી' વાતને આગળ વધારતાં અંજુ જણાવે છે, 'બચ્ચા જેલમાં પ્રિઝન સ્કૂલ 'બેટર લાઇફ પ્રી સ્કૂલ' શરૂ કરી. સ્કૂલની દીવાલ પર ફીનિક્સ પક્ષી રાખમાંથી બેઠું થતું હોય તેવું પેઇન્ટિંગ બનાવ્યું. આ પેઇન્ટિંગથી બાળકોને એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે તમે જે ભૂલો કરી છે તેને સળગાવી દો અને તે રાખમાંથી તમારું નવું જીવન શરૂ કરો. લાઇફ સ્કિલ્સ ટ્રેનિંગ થતી. ચેઇન સ્નેચિંગ કરો તો એક ઝાટકે 30-40 હજાર મળે ને નોકરી કરો તો મહિનાના અંતે 25-20 મળે. કેમ નોકરી કરવી જરૂરી છે? તે સમજાવવામાં આવતું. મેડિટેશન પ્રોગ્રામ, વોકેશનલ કોર્સ પણ થતાં. આ ઉપરાંત સમાજમાં કયા ફિલ્ડની ડિમાન્ડ વધારે છે તે જોઈને અલગ-અલગ કોર્સ શરૂ કર્યા, જેમાં હોટલ મેનેજમેન્ટ, કમ્પ્યૂટર કોર્સ, શૂ મેકિંગ કોર્સ સામેલ છે. આ ઉપરાંત સરકારી સંસ્થામાંથી ટ્રેનર્સ આવીને અલગ-અલગ સાબુ બનાવતા શીખવતા. મ્યૂઝિક, સિંગિંગ, ડાન્સિંગના ક્લાસ પણ હતા. મને યાદ છે કે ડાન્સ ટીચર્સે 'પિંક' મૂવીનું સોંગ 'તુ કિસ લિયે હતાશ હૈ.. તુ ખુદ કી તલાશ મેં નિકલ...' પર કેદીઓને ડાન્સ શીખવ્યો. આ ગીત પર કેદીઓએ અફલાતૂન ડાન્સ કર્યો. ટીચરે માત્ર ડાન્સ જ નહોતો શીખવ્યો, પરંતુ આ ગીતનો ખરો અર્થ સમજાવ્યો હતો. હવે વાત એ છે કે તમે આ બધું કરો છો તે યોગ્ય દિશામાં છે કે નહીં તે કેવી રીતે નક્કી કરો? તો જેલમાં રિપિટેડલી આવતા કેદીઓ પરથી આ નક્કી થાય. મારા પોસ્ટિંગ પહેલાં રિપિટેશન કેદીઓની સંખ્યા મહિને 250 હતી અને મારા કાર્યકાળમાં આ સંખ્યા માત્ર 100 હતી.'
તિહાર મહિલા જેલમાં કેદીઓ નમકીન યુનિટમાં અથાણાં પણ બનાવતી હોય છે
'બચ્ચા જેલમાં મોટે ભાગે કાચા કામના જ કેદીઓ હોય' 'બચ્ચા જેલના પહેલા દિવસની વાત કરું તો, મારું પોસ્ટિંગ થયું તેના થોડા મહિના પહેલા જ કેટલાક કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. સ્ટાફ ઘણો જ ઓવર પ્રોટેક્ટિવ અને વધુપડતો કડકાઈભર્યો હતો. મેં યુવાનો સાથે ધીમે ધીમે વાતચીત કરીને વિશ્વાસ જીત્યો. ત્યાં 1300-1400 કેદીઓ હતા અને મોટા ભાગના કાચા કામના કેદીઓ જ હતા, તેમાંથી પાકા કામના તો માંડ એકાદ-બે જ હતા. 18થી 21 એમ ત્રણ વર્ષની ઉંમરના જ હોય એટલે ત્રણ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય તેવું ભાગ્યે જ બનતું. એટલે મોટા ભાગના કેદી ટ્રાયલ પર જ હતા. કાચા કામના કેદીઓએ ફરજિયાત કામ કરવાનું હોતું નથી, પરંતુ તેમાંથી ઘણા યુવાનો પોતાને બિઝી રાખવા વોલન્ટિયર તરીકે કામ કરવા તૈયાર હતા તો તેમની પાસે ચક્કર પર ડ્યૂટી કરાવીએ અને જેલના અલગ-અલગ કામ કરાવતા. જે રીતે મહિલા જેલમાં મુલાહિઝા વોર્ડ હતો તે જ રીતે બચ્ચા જેલમાં પણ હતો.'
'તમામ ગુના પાછળ મૂળ તો ડ્રગ્સ જ' 'જેલમાં આવતા યુવાનો સાથે વાતચીત કરતાં ખ્યાલ આવ્યો કે મોટાભાગના યુવાનો ડ્રગ્સ કેસ સાથે સંકળાયેલા હતા. કેટલાકે ડ્રગ્સ માટે ક્રાઇમ કર્યો હતો તો કેટલાકે ડ્રગ્સ વેચવાનો કે પેડલર તરીકે ગુનો કર્યો હતો. બચ્ચા જેલમાં યુવાનોએ કોઈ પણ ક્રાઇમ કર્યો હોય, પરંતુ તેનું અંતે ડ્રગ્સ સાથે જ કનેક્શન નીકળે. હત્યા કરી તો ડ્રગ્સ માટે પૈસા નહોતા તો મારી નાખ્યો. અન્ય કોઈનું મર્ડર કર્યું તો ડ્રગ્સના નશામાં હતા તો ખ્યાલ નહોતો એટલે તમામ ક્રાઇમના મૂળમાં ડ્રગ્સ હતું. યુવાનોમાં ડ્રગ્સ મેજર ફેક્ટર હતું. આ લત છોડાવવા NGO સાથે ટાઇ અપ કર્યું ને કેદીઓને પ્રોપર ગાઇડન્સ આપવામાં આવ્યું. આ ક્લાસીસથી ખાસ્સો ફેર પડ્યો.'
'શરીરમાં છુપાવીને સિમ કાર્ડ લાવે' પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટને પૂછવામાં આવ્યું કે જેલમાં કેવી રીતે સિમ-મોબાઇલ પહોંચી જાય તો જવાબમાં જણાવ્યું, 'વિઝિટર્સ આપીને જાય તેવી શક્યતા બહુ જ ઓછી છે. તિહારની જે જેલો બાઉન્ડરી વૉલની નજીક છે ત્યાંથી બહારથી ફોન ફેંકવામાં આવે છે. મહિલા જેલ વચ્ચે હતી તો ત્યાં બહારથી કંઈ ફેંકી શકાય તેમ નહોતું એટલે ત્યાં મોબાઇલ-સિમ મળે જ નહીં. બચ્ચા જેલ બાઉન્ડરી વૉલ સાઇડ હતી તો ત્યાં મળી આવતા. કેટલાંક લોકો શરીરની અંદર છુપાવીને લાવતા. કોર્ટમાં ગયા, જામીન પર છૂટીને અંદર આવ્યા ત્યારે તેઓ શરીરની અંદર છુપાવીને લાવે છે. જે રીતે ફિલ્મમાં બતાવવામાં આવે છે તે જ રીતે કેદીનું ચેકિંગ થાય, પરંતુ ઘણીવાર આ કેદીઓ જેલ સ્ટાફ કરતાં બે ડગલાં આગળ હોય છે. નાનકડી બ્લેડને કાર્બન પેપરમાં લપેટીને મોંની અંદર છેક મૂકી દે તો તે ચેકિંગમાં પકડાય નહીં.'
'યુવાને પત્ર લખ્યો' 'બચ્ચા જેલમાં અમે રસોઈ બનાવવા માટે 40-50 વર્ષની ઉંમરના 10-12 પાકા કામના કેદીઓ રાખ્યા હતા. ત્યાં પણ લેટર બોક્સ સિસ્ટમ હતી તો એક યુવાન કેદીએ પત્ર લખ્યો કે કિરણ બેદી પછી જો કોઈએ સારી રીતે જેલ સંભાળી હોય તો તે તમે છો.' મારો ટ્રાન્સફર ઑર્ડર આવ્યો ત્યારે એક યુવાને પત્ર લખ્યો, 'મેમ, તમે હું જાઉં એ પહેલાં આ જેલ છોડીને જતા નહીં.' સાચું કહું તો મેલ પ્રિઝનના કેદીઓ સાથે એક જાતનું બોન્ડિંગ થઈ ગયું હતું.'
'એક મહિલા કેદી 100 પુરુષ કેદીની બરોબર' મહિલા કે યુવાનોમાંથી કોને સંભાળવા સહેલાં લાગ્યાં એ અંગે પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ જણાવે છે, 'એક મહિલા કેદી 100 પુરુષ કેદીની બરાબર હેરાન કરી શકે છે. મહિલા ને યુવાનો બંનેને સંભાળવા મુશ્કેલ હતા. ડ્રગ્સકેસમાં આફ્રિકન મહિલાઓ ગુના કરીને જેલમાં આવતી. આ મહિલાઓ ઘણી જ સ્ટ્રોંગ રહેતી. એકવાર તેઓ રાતમાં સૂતા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો. મને આ વાતની ખબર પડી તો મેં તેમને બોલાવ્યાં ને જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે તેમની વચ્ચે લડાઇ કેમ થઈ. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કંઈક પાણીના મુદ્દે ઝઘડો થયો હતો. તો એક આફ્રિકન મહિલા મને કહે કે આ મહિલાને એક મુક્કો મારીશ તો તે ઊછળીને સામેની દીવાલ કૂદીને બહાર ફેંકાઈ જશે. પછી મેં તેને શાંતિથી સમજાવી કે તારે આ રીતે મારામારી કેમ કરવી છે? તારી એનર્જીને પોઝિટિવ રીતે યુઝ કરવાની છે. પછી તેની સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે તેને સંગીતમાં રસ છે તો તેને મ્યુઝિકમાં પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવી. તેનો અવાજ ઘણો જ કર્ણપ્રિય હતો. તે હિંદી સોંગ્સ ઘણાં જ સારાં ગાતી. હું પછી મેલ પ્રિઝનમાં આવી અને ત્યાર બાદ મેં તેને ગાતાં સાંભળી ત્યારે મારા રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં.'
If you often open multiple tabs and struggle to keep track of them, Tabs Reminder is the solution you need. Tabs Reminder lets you set reminders for tabs so you can close them and get notified about them later. Never lose track of important tabs again with Tabs Reminder!
Try our Chrome extension today!
Share this article with your
friends and colleagues.
Earn points from views and
referrals who sign up.
Learn more