પહેલગામ હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી, ત્યારે સવાલો ઊઠ્યા કે તેની અસર દેખાતાં વર્ષો લાગશે. જોકે તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. ભારત ભલે પાકિસ્તાન જતું બધું પાણી રોકી ન શકે, પરંતુ તેના પ્રવાહને નિયંત્રિત જરૂર કરી

.

ભારતે પહેલા ચિનાબનો પ્રવાહ રોક્યો, પછી 26 એપ્રિલે જેલમનું પાણી અચાનક છોડી દીધું. સંધિ સ્થગિત થવાના કારણે પાણીનો ડેટા શેર કરવામાં ન આવ્યો. આથી બીજી તરફ અચાનક અફરાતફરી મચી ગઈ અને વોટર ઇમર્જન્સી લાગુ કરવી પડી.

સિંધુ જળ સંધિ સ્થગિત કરીને ભારત કેવી રીતે 3 સ્ટેપમાં લાંબું પ્લાનિંગ કરી રહ્યું છે, પાકિસ્તાનના શોર અને આંતરરાષ્ટ્રીય દબાણથી કેવી રીતે નિપટવાની તૈયારી છે; જાણીએ આજના એક્સપ્લેનરમાં...

સવાલ-1: ભારતે સિંધુ જળ સમજૂતી પર રોક લગાવવાનો નિર્ણય શા માટે લીધો?

જવાબ: પહેલગામમાં આતંકવાદી હુમલાના એક દિવસ પછી 23 એપ્રિલે PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે CCSની બેઠક યોજાઈ. આમાં પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા નિર્ણયો લેવાયા. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ હતો - સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરવી.

1960માં ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમજૂતી થઈ હતી, જે અંતર્ગત સિંધુ વોટર સિસ્ટમની 3 પૂર્વી નદીઓનું પાણી ભારત વાપરી શકે છે, અને બાકીની 3 પશ્ચિમી નદીઓના પાણી પર પાકિસ્તાનને અધિકાર આપવામાં આવ્યો.

24 એપ્રિલે ભારતમાં જળશક્તિ સચિવ દેવશ્રી મુખર્જીએ પાકિસ્તાની જળ સંસાધન મંત્રાલયના સચિવ મુર્તઝાને પત્ર લખીને કહ્યું,

"આ સંધિ સારા સંદર્ભમાં કરવામાં આવી હતી, પરંતુ સારા સંબંધો વિના તેને જાળવી શકાય નહીં."

બીજા જ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે જળશક્તિ મંત્રાલયની બેઠક યોજાઈ. બેઠક પછી જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે સિંધુ નદીનું એક ટીપું પાણી પણ પાકિસ્તાન નહીં જાય.

સાઉથ એશિયા યુનિવર્સિટી (SAU), દિલ્હીના ઇન્ટરનેશનલ રિલેશન્સ ડિપાર્ટમેન્ટની પ્રોફેસર મેધા બિષ્ટ અનુસાર ભારત લાંબા સમયથી સિંધુ જળ સમજૂતીની ખામીઓને દૂર કરવાની રાહ જોઈ રહ્યું હતું. સમજૂતી રોકીને તે પહેલગામ હુમલાનો જવાબ આપવાની સાથે આ તકનો લાભ પણ લઈ રહ્યું છે.

સવાલ-2: શું ભારત દ્વારા સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી પાકિસ્તાનમાં દુકાળ પડશે?

જવાબ: આનો સીધો જવાબ છે ના. મેધા બિષ્ટનું કહેવું છે કે હાલ પૂરતું ભારત, પાકિસ્તાનમાં પાણી વહેતું અટકાવી શકતું નથી. ભારત પાસે પાકિસ્તાન જતું પાણી એકઠું કરવા કે તેનો માર્ગ બદલવા માટે તે પ્રકારના બંધ કે માળખાકીય સુવિધાઓ નથી. આથી એવું કહેવું ખોટું છે કે ભારત, પાકિસ્તાનમાં પાણીની મોટી કટોકટી સર્જી શકે છે.

સિંધુ, જેલમ અને ચિનાબ મોટી નદીઓ છે. મેથી સપ્ટેમ્બર વચ્ચે જ્યારે બરફ પીગળે છે ત્યારે આ નદીઓ તેમની સાથે અબજો ક્યુબિક મીટર પાણી લઈને પાકિસ્તાનમાં પ્રવેશે છે.

આમાંથી ચિનાબ પર ભારતે બગલીહાર ડેમ, રતલે પ્રોજેક્ટ, ચિનાબની સહાયક નદી મારુસૂદર પર પાકલ ડુલ પ્રોજેક્ટ અને જેલમની સહાયક નદી નીલમ પર કિશનગંગા પ્રોજેક્ટ શરૂ કર્યા છે, પરંતુ આમાંથી બગલીહાર પ્રોજેક્ટ અને કિશનગંગા જ કાર્યરત છે.

મુશ્કેલી એ છે કે આ બંને રન-ઓફ-ધ-રિવર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે, એટલે કે તેઓ વહેતા પાણીના પ્રવાહથી વીજળી તો બનાવી શકે છે, પરંતુ તેમની સંગ્રહક્ષમતા ખૂબ ઓછી છે. આથી તેઓ પાકિસ્તાન જતા પાણીને મોટા પાયે સંગ્રહિત નથી કરી શકતા.

માની લો કે, ભારત બધા બંધો દ્વારા આ પાણીને રોકવાનો પ્રયાસ કરે તો પણ, તેના ઉપરના વિસ્તારો એટલે કે ભારતના પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પૂર આવી શકે છે.

પ્રોફેસર હસન એફ ખાન, પાકિસ્તાની અખબાર ડોનમાં લખે છે કે ઓછામાં ઓછું આ મોસમમાં જ્યારે પાણીનો પ્રવાહ તેજ હોય છે, ત્યારે ભારત પાકિસ્તાન જતું પાણી રોકી શકતું નથી. ભારત જો સિંધુ બેસિનના બધા પાણીને ભારતના વિસ્તારોમાં વાળવા માગે તો તેણે મોટા બંધ અને ડાયવર્ઝન પ્રોજેક્ટ બનાવવા પડશે, જેમાં વર્ષો લાગશે.

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ચિનાબ નદી પર બનેલ બગલીહાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ

સવાલ-3: જો હાલ પૂરતું પાકિસ્તાન જતા પાણીને રોકવાની ક્ષમતા નથી, તો ભારતનો હેતુ શું છે?

જવાબ: વિચારો કે એક સવારે તમને ખબર પડે કે આજે પાણી નથી આવ્યું. પછી બીજી સવારે એવી સ્થિતિ થાય કે તમારા મોહલ્લાની ગલીઓથી લઈને ઘરના રૂમ સુધી પાણીથી ભરાયેલા હોય. કયા દિવસે શું થશે, તમને પહેલેથી ખબર ન મળે.

આ જ રીતે ભારત ભલે રાતોરાત પાકિસ્તાનનું બધું પાણી હંમેશ માટે ન રોકી શકે, પરંતુ તે કામચલાઉ ધોરણે જેલમ, ચિનાબ અને સિંધુ જેવી નદીઓના પાણીનો પ્રવાહ નિયંત્રિત કરીને પાકિસ્તાનના પંજાબના વિસ્તારથી લઈને કરાચી સુધી પાણીનો સપ્લાય ખોરવી શકે છે.

બિષ્ટ અનુસાર, 'ભારત પાસે હવે પાણીનો પ્રવાહ ખોરવીને અને તેની સાથે જોડાયેલી માહિતી રોકીને પાકિસ્તાનમાં પાણીની અછત કે નાના પૂર લાવવાની ક્ષમતા છે. પાણી અચાનક છોડવામાં આવે કે રોકવામાં આવે તો પાકિસ્તાનમાં સમસ્યા થશે.'

આનું તાજું ઉદાહરણ 26 એપ્રિલનું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર POKમાં નદી કિનારે વસેલાં ગામ ડુમેલના રહેવાસી મુહમ્મદ આસિફે જણાવ્યું, 'અમને કોઈ એલર્ટ નથી મળ્યું. પાણી ઝડપથી આવ્યું. અમે જીવ અને માલ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ.'

કહેવાય છે કે લોકોને પોતાનાં ઘર છોડવા પડ્યાં. અધિકારીઓને સમજ નહોતી પડતી કે પાણી કેટલું વધારે છે અને કેટલી તબાહી મચાવી શકે છે.

સવાલ-4: પાકિસ્તાન પોતાની ભૌગોલિક સ્થિતિને કારણે ફસાઈ ગયું છે?

જવાબ: વાસ્તવમાં, સિંધુ નદી ભારતના પૂર્વમાં તિબેટથી નીકળે છે અને પહેલા લેહ, પછી જમ્મુ-કાશ્મીરથી થઈને પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રવેશે છે. બેસિનની બાકીની 5 નદીઓ પણ હિમાચલ પ્રદેશ પછી જમ્મુ-કાશ્મીરથી થઈને પાકિસ્તાનમાં દાખલ થાય છે અને સિંધુ સાથે મળતી જાય છે. પોતાના સમગ્ર માર્ગ દરમિયાન જ્યાં સુધી આ નદીઓ ભારતમાં છે ત્યાં સુધી તે ઊંચાઈ પર હોય છે અને પાકિસ્તાનમાં પ્રવેશતાં જ તેમનો પ્રવાહ નીચેની તરફ થઈ જાય છે.

પાકિસ્તાનની 90% ખેતી અને વીજળી બનાવતા લગભગ એક-તૃતીયાંશ હાઈડ્રોપ્રોજેક્ટ સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. જેનું નિયંત્રણ ભારત પાસે છે. આવી સ્થિતિમાં પશ્ચિમી નદીઓના પાણીનો પ્રવાહ ભારત માટે એક હથિયાર તરીકે કામ કરી રહ્યો છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે તે ફસાઈ ગયું છે.

પાકિસ્તાન સમજી રહ્યું છે કે ભારતનો આ વોટર સ્ટ્રાઈક તેને કેટલો મોંઘો પડી શકે છે. આથી જ પાકિસ્તાન 'પાણી રોકવા પર લોહી વહેવડાવવાની' વાત કરી રહ્યું છે, સાથે જ ચીન પાસે ભારતનું પાણી રોકવાની વિનંતી કરી રહ્યું છે.

સવાલ-5: તો શું ચીન પાકિસ્તાનની મદદ માટે આવું જ કંઈક ભારત સાથે કરી શકે છે?

જવાબ: ભારતમાં પણ ચીનના કબજા હેઠળના તિબેટના વિસ્તારથી બ્રહ્મપુત્ર નદીનું પાણી આવે છે, જે આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય થઈને બાંગ્લાદેશ અને પછી બંગાળની ખાડીમાં પડે છે. ડોકલામ વિવાદ પછી ચીને બ્રહ્મપુત્રના વોટર ફ્લોનો ડેટા ભારત સાથે શેર કરવાનું બંધ કરી દીધું હતું. હવે પાકિસ્તાન ફરી ઇચ્છશે કે ચીન કંઈક આવું જ કરે.

ચીન બ્રહ્મપુત્રના પાણીને નોર્થ ચીનમાં વાળવા માટે પહેલેથી જ સુપર ડેમ કહેવાતા 'સાઉથ-નોર્થ વોટર ટ્રાન્સફર પ્રોજેક્ટ' પર કામ કરી રહ્યું છે.

મેધા બિષ્ટ અનુસાર, 'આ ચિંતાનો વિષય હોઈ શકે છે. જોકે વાસ્તવિકતા એ પણ છે કે ભારત અને ચીન વચ્ચે ક્યારેય પણ ડેટા શેર કરવામાં આવ્યો નથી. ચીન લાંબા સમયથી તિબેટથી નીકળીને ભારતમાં વહેતી સિંધુ, બ્રહ્મપુત્ર જેવી નદીઓમાં જે કંઈ શક્ય છે તે બધું કરી રહ્યું છે.'

ખરેખર ચીન હોય કે ભારત, નદીના પાણીનો પ્રવાહ એક પ્રાકૃતિક વ્યવસ્થા છે જે રાતોરાત બદલી શકાતી નથી. આવી સ્થિતિમાં ભારત પાકિસ્તાન પર નિયંત્રણ જમાવવા માટે સિંધુ વોટર ટ્રીટીને લઈને 3 સ્ટેપ્સમાં લોંગ ટર્મ પ્લાન કરી રહ્યું છે.

સવાલ-6: સિંધુ જળ સમજૂતી રોક્યા પછી ભારતની 3 સ્ટેપમાં લાંબી ગેમ શું છે? જવાબ: કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલે કહ્યું છે કે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સરકાર શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મના કુલ 3 પ્લાન પર કામ કરી રહી છે, જેથી પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન જાય. જોકે તેમણે વધુ વિગતો શેર કરી નથી.

નિષ્ણાતો અનુસાર આ પ્લાન કંઈક આ રીતે હોઈ શકે છે-

સ્ટેપ-1: નવી સિંધુ જળ સંધિની જમીન તૈયાર કરવી

- સિંધુ જળ સમજૂતી ભારત માટે ફાયદાનો સોદો ક્યારેય રહ્યો નથી. 1960માં ભારતે વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં આ સંધિ કરી હતી. ત્યારે ભારત ઇચ્છતું હતું કે પાકિસ્તાન તરફથી હુમલા બંધ થઈ જશે, પરંતુ એવું ન થયું. - સંધિના નિયમો અનુસાર, ભારત પાણીના ઉપયોગમાં કોઈપણ ફેરફાર પાકિસ્તાનની મંજૂરી વિના નથી કરી શકતું. 2024માં ભારતે સંધિમાં ફેરફારની માંગ કરતાં પાકિસ્તાનને એક નોટિસ મોકલી હતી, જેના પર પાકિસ્તાને કોઈ ધ્યાન ન આપ્યું. - મેધા બિષ્ટ અનુસાર, 'ખરેખર આ ટ્રીટી ઘણાં વર્ષોથી સસ્પેન્ડ જ છે. હવે તેને ઔપચારિક રીતે રોકવામાં આવી છે. ભારત પોતાના ફાયદાનો સોદો કરવા માટે હવે પાકિસ્તાનને વાતચીત માટે મજબૂર કરી શકે છે. ભારત વર્ષોથી નવી સિંધુ સંધિ ઇચ્છે છે. આનાથી જળવાયુ પરિવર્તન, પાણીની માત્રા જેવા મુદ્દાઓ પર ભારત પોતાના હિત પર ભાર આપી શકશે.'

સ્ટેપ-2: પોતાના હિસ્સાના પાણીના દરેક ટીપાનો ઉપયોગ કરવો

- સંધિ હેઠળ ભારત માત્ર પૂર્વી નદીઓનું પાણી વાપરી શકે છે. આ નદીઓના 3.3 કરોડ એકર ફૂટ પાણીમાંથી લગભગ 94% પાણીનો ઉપયોગ ભારત કરે છે. - આ માટે ભારતે પૂર્વી નદીઓ એટલે કે સતલજ પર ભાખડા નાંગલ બંધ, બ્યાસ પર પોંગ બંધ, રાવી પર રણજિત સાગર બંધ અને હરિકે બેરેજ, ઇન્દિરા નહેર જેવા પ્રોજેક્ટ બનાવ્યા છે. - બાકીનું લગભગ 6% પાણી વપરાયા વિના પાકિસ્તાન જતું રહે છે. બચેલા પાણીના ઉપયોગ માટે ભારત રાવી નદી પર શાહપુર કાંડી પ્રોજેક્ટ, સતલજ બ્યાસ નહેર લિંક પ્રોજેક્ટ અને રાવીની સહાયક નદી પર 'ઉઝ ડેમ' બનાવી રહ્યું છે. આ પર પાકિસ્તાન સતત વાંધો ઉઠાવતું આવ્યું છે. - 2019માં ઉરી આતંકવાદી હુમલા પછી ભારતે કહ્યું હતું કે તે આ નદીઓનો પ્રવાહ વાળીને 100% પાણી પોતાને ત્યાં વાપરશે.

સ્ટેપ-3: પાકિસ્તાન જતા બધા પાણીને ભારત તરફ વાળવું

આ લોંગ ટર્મ પ્રોજેક્ટ છે, જે વર્ષો ચાલશે. મંત્રી પાટીલ અનુસાર,

- સૌથી પહેલા નદીઓમાંથી કાદવ કાઢવાનું કામ કરવામાં આવશે, આનાથી પાણીને રોકવું અને તેની દિશા બદલવી સરળ થશે. - નદીઓ પર બંધ અને બાકીના માળખાકીય પ્રોજેક્ટ્સ વધારવામાં આવશે. જે હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, તેમાં ઝડપ લાવવામાં આવશે. - પાણીને સંગ્રહ કરવા માટે જળાશયો બનાવીને નદીઓની દિશા બદલવા પર કામ શરૂ કરવામાં આવશે.

સવાલ-7: શું સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી આંતરરાષ્ટ્રીય દબાણ વધશે, ભારત કેવી રીતે ડીલ કરશે?

જવાબ: સિંધુ જળ સમજૂતી એક કાયમી સંધિ છે. તેને કોઈ એક દેશ પોતાની મરજીથી રદ નથી કરી શકતો. બંને દેશો સાથે મળીને જ તેમાં કોઈ ફેરફાર કરી શકે છે. આ ઉપરાંત તેમાં ગેરેન્ટર તરીકે વર્લ્ડ બેંક પણ સામેલ છે. વિવાદની સ્થિતિમાં પાકિસ્તાન વર્લ્ડ બેંક ઉપરાંત ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ કેસ લઈ જઈ શકે છે.

જોકે, સ્ટ્રેટેજી એનાલિસ્ટ બ્રહ્મા ચેલાની કહે છે,

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના અધિકારીઓનું કહેવું છે કે સંધિને રોકવામાં કાનૂની રીતે કોઈ સમસ્યા નથી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો પાકિસ્તાન મધ્યસ્થતા માટે વર્લ્ડ બેંક પાસે જાય છે તો પણ ભારતનો પ્રતિભાવ તૈયાર થઈ ચૂક્યો છે. સરકાર આ પડકારોનો સામનો કરવા માટે એક કાનૂની રણનીતિ પર કામ કરી રહી છે.

First drought, then floods, the effects of stopping the Indus Water Treaty are starting to be seen; How India is playing the long game in 3 steps | આજનું એક્સપ્લેનર: પહેલા દુકાળ પછી પૂર, સિંધુ જળ સમજૂતી રોકવાની અસર દેખાવા લાગી; ભારત 3 સ્ટેપમાં કેવી રીતે રમી રહ્યું છે લાંબી રમત | Divya Bhaskar


Click on the Run Some AI Magic button and choose an AI action to run on this article